રોજબરોજની જિંદગીમાં શારિરીક શ્રમ કર્યા વગરનું બેઠાડું જીવન સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક સાબિત થઈ શકે છે. ખાસ એવા કિસ્સામાં જ્યારે તમે કોઈ કસરત કરતા નથી અને વધારે પડતી ઊંઘ કરો છો. આવી દિનચર્યા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારી માનવામાં આવતી નથી. આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમે પણ બેઠાડુ જીવનશૈલી જીવી રહ્યા છો તો તમારે તેને બદલવાની જરૂર છે.
બેઠાડુ જીવનશૈલી શું છે?
બેઠાડુ જીવનશૈલી મૂળભૂત રીતે જીવનશૈલીનો એક પ્રકાર છે. જેમાં વ્યક્તિ પોતાની દૈનિક દિનચર્યામાં નિયમિત માત્રામાં શારીરિક પ્રવૃત્તિ કરતી નથી. જેથી આખો દિવસ બેસી રહેવાથી ચયાપચયની ક્રિયા ધીમી પડી શકે છે અને શરીરની બ્લડ સુગર અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાની અને ચરબી બર્ન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. બીજા ઘણા જોખમો પણ છે. ખાસ કરીને વ્હાઈટ કોલર જોબ કરતા અને કોમ્પ્યુટર સામે બેસી ને કલાકો સુધી કામ કરતા કર્મચારીઓ આવી જીવનશૈલી ફોલો કરતા હોય છે. આવા લોકોએ જલદીથી સતર્ક થવાની જરૂર છે.
બેઠાડુ લાઈફસ્ટાઈલના જોખમો
બેઠાડુ લાઈફસ્ટાઈલના શારીરિક ક્રિયા ઘટે છે જેની સીધી અસર ફેફસાના કાર્ય પર પડે છે. નિષ્ણાતોના મતાનુસાર, બેઠાડુ લાઈફસ્ટાઈલ તમને ICUમાં દાખલ થવાનું જોખમ ઉભું કરે છે અને સક્રિય જીવનશૈલીની સાપેક્ષમાં જીવન ટકાવી રાખવાના દરને પણ ઘટાડે છે.
જે લોકો બેઠાડુ લાઈફસ્ટાઈલ ધરાવે છે. તેઓ સામાન્ય રીતે વધારે વજનવાળા અથવા મેદસ્વી હોય છે. આ સિવાય બેઠાડુ જીવનશૈલી ધરાવતા લોકોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર જેવી ઘણી ગંભીર સ્થિતિઓ પણ ઊભી થઈ શકે છે.
ધુમ્રપાન અને આલ્કોહોલ જેવી ખરાબ ટેવો, જે ઘણીવાર બેઠાડુ જીવનશૈલીને અનુસરે છે, જે ફેફસાને નબળા કરે છે. આ સિવાય સ્લીપ એપનિયા સિન્ડ્રોમ, ડાયાબિટીસ, હાઈપરટેન્શન, હાઈપરલિપિડેમિયા, વિવિધ મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર સહિત અન્ય ઘણી બીમારીઓ ઘેરી શકે છે.
સક્રિય રહેવા માટે શું કરી શકાય ?
1. અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ દરરોજ 45 મિનિટ કસરત કરવી. તે એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ સિવાય ઝડપી ચાલવું, દોડવું, જોગિંગ, સાયકલ ચલાવવી કે સ્વિમિંગ જેવી પ્રવૃત્તિઓ શરીર માટે ખૂબ ફાયદાકારક છે.
2.લિફ્ટને બદલે સીડીઓ ચઢવાથી અથવા તમારા વાહનને તમારી ઓફિસના એક-બે બ્લોક પહેલા પાર્ક કરીને બાકીના રસ્તે ચાલીને ઓફિસ જવું. આવી રીતે નિયમિત શારીરિક પ્રવૃત્તિ કરવામાં મદદ મળી શકે છે. સીડીઓ ચઢવાથી તમારા હૃદયને પમ્પિંગ મળી શકે છે અને તમારા સ્નાયુ, હાડકા, સાંધા અને ફેફસાના સ્વાસ્થ્યને ગતિ મળે છે. ચાલવાથી ઘણા લાભો છે જેમ કે હૃદય રોગનું જોખમ ઘટે, રોગપ્રતિકારક શક્તિ વધે અને તણાવ અને બ્લડ પ્રેશરના સ્તરમાં ઘટાડો થાય છે.
3. ડેસ્ક પર સતત એક કલાકથી વધુ સમય સુધી બેસવાનું ટાળો. કામ વચ્ચે સમય કાઢીને ઉઠો અને થોડી વાર ફરો, પછી કામ પર પાછા બેસો. તમારા સ્નાયુઓ જકડાઈ ન જાય તે માટે દસર કલાકે થોડી હલનચલન કરો અને તમારા દૈનિક ચાલવાના પગલાંની સંખ્યામાં વધારો કરો.
4. તમારી ખુરશી પર બેસીને અથવા ઓફિસમાં બે મિનિટના બ્રેક દરમિયાન વિવિધ પ્રકારની કસરતો કરી શકાય છે. શારીરિક પ્રવૃત્તિની નાની ક્રિયાઓ પણ આપણા ચયાપચયને વધારવામાં મદદ કરે છે.
5. અતિશય આહાર ન જમો. ખાસ કરીને ખાંડનું સેવન ઘટાડો. તમારા આહારમાં તંદુરસ્ત શાકભાજી અને ફળોનો સમાવેશ કરો અને સંતુલિત આહાર લો. ભરપેટ જમવાથી સ્થૂળતાનું જોખમ પણ રહે છે.
6. દારૂ અને ધૂમ્રપાનથી દૂર રહો.
7. વ્યાયામ સવારે કે સાંજે કોઈપણ સમયે કરી શકાય છે, પરંતુ જમ્યાના ઓછામાં ઓછા 2-3 કલાક પછી જ વ્યાયામ કરવાનું રાખો.
8. જ્યારે તમે ઊભા રહી શકો ત્યારે ઊભા રહેવું. તમારા સ્નાયુઓને મજબૂત કરવામાં અને વધારાની કેલરી બર્ન કરવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે કૉલ કરી રહ્યાં હોવ, ટીવી જોતા હોવ અથવા અન્ય કોઈપણ પ્રવૃત્તિ કે જે તમે ઊભા રહીને કરી શકો ત્યારે ઊભા જ રહો. જેથી કેલરી વધારે બર્ન થશે અને સ્વાસ્થ્યનું જોખમ ઘટશે…