આજકાલ સૌની જીંદગી ઘડિયાળના કાંટે ચાલી રહી છે…આપણી જીવનશૈલીમાં, ખાન-પાનમાં, જાગવા, ઊંઘવાની રીતમાં જબરજસ્ત બદલાવ આવી ચુક્યો છે…પરંતુ હકીકત એ છે કે આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ સૌથી મહત્વપૂર્ણ છે..જો આપણે પૂરતી ઊંઘ ન લઈએ તો તે આપણા શરીરને નુકસાન પહોંચાડશે, એટલું જ નહીં પણ આપણી આખી દિનચર્યાને પણ અસર કરે છે. નિષ્ણાતો પણ માને છે કે આપણે ઓછામાં ઓછા 7 થી 9 નવ કલાકની ઊંઘ લેવી જોઈએ…એક સંશોધનમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકો મોડી રાત સુધી જાગતા રહે છે તેમનામાં હૃદય રોગ અને ડાયાબિટીસનું જોખમ અનેકગણું વધી જાય છે. આમ સરેરાશ ઊંઘ ઓછી થવાથી લોકોમાં અનેક બીમારીઓ વધી રહી છે. ઓછી ઊંઘના કારણે લોકો ડાયાબિટીસ, મેદસ્વીતા, માનસિક હતાશા, બેચેની, હાઈપરટેન્શન અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એટલું જ નહીં આના કારણે લોકોમાં કેન્સરનું જોખમ પણ વધી રહ્યું છે.
તાજેતરના રિસર્ચમાં પણ આ વાત કહેવામાં આવી છે. AIIMS જેવી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર્સ પણ માને છે કે ભારત, ચીન, અમેરિકા અને બ્રાઝિલમાં ઊંઘને લઈને સમસ્યાઓ વધી છે. તેઓ સમજાવે છે કે ઓછી કે વધુ ઊંઘ, બંને રોગમાં વધારો કરે છે. હાલના સમયમાં લોકોની ઊંઘ ઓછી થઈ રહી છે. જેના કારણે ટાઈપ-2 ડાયાબિટીસ, હૃદયરોગ, કેન્સર અને ડિપ્રેશન જેવી બીમારીઓ વધી રહી છે. વિશ્વભરની નિયમનકારી એજન્સીઓ દ્વારા પમ ઓછી ઊંઘના વિષયને મોટાભાગે અવગણવામાં આવ્યો છે. ત્યારે હવે આ વિષયમાં જાગૃતિની જરૂર છે. કારણ કે ઓછી ઊંઘ ઘણા રોગોનું મૂળ છે.
તમને ખબર છે ? ઓછી ઊંઘને કારણે અકસ્માતો પણ વધે છે ?
ઊંઘ ક્યારેક રોડ અકસ્માતનું કારણ પણ બને છે. આ વાત ઘણાને આશ્ચર્યજનક લાગશે…ઘણા અહેવાલો પણ એ વાતને સમર્થન આપે છે કે 40 ટકા માર્ગ અકસ્માતો ઓછી ઊંઘને કારણે થાય છે. સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRRI) ના વૈજ્ઞાનિકો પણ કહે છે કે ભારત ઉષ્ણકટિબંધીય દેશ હોવાને કારણે લોકો સામાન્ય રીતે બપોરના ભોજન પછી સુસ્તી અને ઊંઘ અનુભવે છે. આવા સંજોગોમાં હાઇવે પર થોડી નિંદ્રાના કારણે મોટા અકસ્માતની સંભાવના છે. AIIMSના રિસર્ચ પેપરમાં ખુલાસો થયો છે કે દુર્ઘટનાનું કારણ ઊંઘ પણ છે. ભારતમાં બે તૃતીયાંશ પાઇલોટ્સ ઉડાન ભરતી વખતે ઘણી વખત ઊંઘ જેવી સ્થિતિમાં હતા. તેના કો-પાઈલટે તેને જગાડ્યો હોય એવા પણ કિસ્સાઓ બન્યા છે.આ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્લેન ક્રેશ થવા પાછળનું મુખ્ય કારણ ઊંઘ છે. ઘણા પાઇલોટ્સ નોકરીના દબાણ સાથે ગતિ જાળવી શકતા નથી.
ઓછી ઊંઘની અસર અભ્યાસ, રમતગમત ઉપર પણ પડે છે
જાણકારો માને છે કે સ્લીપ ડિસઓર્ડરની સારવાર ન કરવામાં આવે તો અભ્યાસ, રમતગમત જેવી પ્રવૃત્તિઓમાં ખરાબ પ્રદર્શન જોવા મળે છે. સ્વાભાવિક જ તે તમારા કામ પર પણ ખૂબ અસર કરે છે. જેના કારણે આપઘાત જેવી અનેક ઘટનાઓ પણ સામે આવી છે.
કોરોના પછી લોકોની ઊંઘ ઊડી ગઈ!
કેટલાક નિષ્ણાતોએ કોરોના લોકડાઉન અને ઊંઘની અસરનો અભ્યાસ કર્યો હતો. જેમાં અનિદ્રાથી પીડાતા પુખ્ત વયના લોકોની ટકાવારીમાં કોઈ ફેરફાર નહોતો થયો એવું બહાર આવ્યું હતું. સરેરાશ 10 ટકા પુખ્ત વયના લોકો અનિદ્રાથી પીડાય છે. એટલું જ નહીં લોકોના સૂવાના અને જાગવાના સમયમાં પણ મોડું થતું હતું. સાદી ભાષામાં કહીએ તો લોકોની ઊંઘની ગુણવત્તાનું સ્તર કથળ્યું છે..લોકોના સૂવાના સમય અને જાગવાના સમયમાં ફેરફાર થતાં રાત્રે સૂવાનો સમય પણ ઘટી ગયો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગાઉ 48.4 ટકા લોકો 11 વાગ્યા પછી ઊંઘતા હતા. લોકડાઉન પછી 65.2 ટકા લોકો રાત્રે 11 વાગ્યા પછી સૂવા લાગ્યા.
કોરોના પછી ઊંઘને ખાસી અસર થઈ
ઊંઘનો અભ્યાસ કરતા ડૉક્ટર્સ કહે છે કે કોવિડ પછીના લક્ષણોમાં લોકોને કામ કરવામાં કે યાદ રાખવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આને ડિમેન્શિયા બ્રેઈન ફોગ પણ કહેવાય છે..આ સાથે બીજી વાત એ છે કે કોવિડ પછીના દર્દીઓમાં થાક અને કામ કરવામાં અસમર્થતાની સમસ્યા પણ વધી રહી છે. યાદશક્તિમાં પણ સમસ્યા જોવા મળી રહી છે. કોવિડ પહેલા 50 વર્ષ કે 70 વર્ષના લોકો ખૂબ દોડતા હતા, ફરતા હતા. પરંતુ છેલ્લા 2 વર્ષમાં બધું બંધ થઈ ગયું છે. તેના કારણે આ મુશ્કેલી આવી છે. તેમણે કહ્યું કે આ સમસ્યા આખી દુનિયામાં છે. જો દરદી અઠવાડિયામાં 3 દિવસ કે તેથી વધુ સમય સુધી યોગ્ય રીતે ઊંઘી ન શકે તો તેને ક્રોનિક ઇન્સોમ્નિયા અથવા અનિદ્રા કહેવાય છે. આવા દર્દીઓને ઊંઘની એટલી સમસ્યા હોય છે કે તેમને ડોક્ટરો દ્વારા આપવામાં આવેલી ઊંઘની ગોળીઓ લેવી પડે છે. પાછળથી દર્દીને પણ આ પ્રકારની દવાઓની લત લાગી જાય છે. પરંતુ આ દવાઓના ગેરફાયદા પણ છે.
જાણીને નવાઈ લાગશે કે ઊંઘ સંબંધો પર પણ અસર કરે છે
જાણકારોના મતે જ્યારે તમને પૂરતી ઊંઘ નથી આવતી ત્યારે તમારું મગજ યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આની સીધી અસર તમારા સંબંધો પર પડે છે. એટલા માટે યોગ્ય ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંઘ આમ જોઈએ તો બેભાન અવસ્થા છે. ઊંઘ શરીરના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને સુધારે છે. ઊંઘની ઉણપ એમીગડાલાનું કારણ બની શકે છે. આને કારણે તમે વધુ પડતી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરો છો અને અન્યની લાગણીઓની કદર કરતા નથી. એક અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ઓછી ઊંઘને કારણે એમીગડાલા પ્રવૃત્તિમાં ખલેલ આવવાને કારણે ડિપ્રેશન અને તણાવની સમસ્યા થાય છે. સ્લીપ મેડિસિન નિષ્ણાત તો ત્યાં સુધી કહે છે કે જ્યારે આપણને ઓછી ઊંઘ આવે છે ત્યારે આપણે બિનજરૂરી વસ્તુઓ પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરીએ છીએ. આવી સ્થિતિમાં સંબંધોમાં સંઘર્ષ અને તણાવની સંભાવના વધી જાય છે. જો બાળકને પૂરતી ઊંઘ ન મળે તો તે ચીડિયા બની જાય છે. કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જે લોકો ઉદાસ અને હતાશ હોય છે તેમને પૂરતી ઊંઘ મળતી નથી.
ઓછી ઊંઘની સીધી અસર સ્વાસ્થ્ય પર
ઓછી ઊંઘ લેવાથી તમારા સ્વાસ્થ્યને પણ અસર થાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું કહેવું છે કે તેના કારણે તમને ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયની બીમારીઓ અને ડિપ્રેશનની સમસ્યા વધી જતી જોવા મળી છે. આ તમારા સંબંધોમાં મુશ્કેલીનું કારણ બની શકે છે. કારણ કે જો તમારું સ્વાસ્થ્ય સારું નથી તો તમે ખુશ નહીં રહેશો અને ખુશ નહીં રહો તો તેની અસર સંબંધો પર પડવાની જ છે..
સ્લીપ શેડ્યૂલની સંબંધો પર અસર
જો તમારે અલગ અલગ શિફ્ટ વારંવાર બદલાતી હોય કે પછી અલગ-અલગ પાળી હોય તો તે તમારા સ્વાસ્થ્ય, ઊંઘ અને સંબંધો માટે પડકાર બની શકે છે. આવી સ્થિતિમાં એ ખૂબ જ જરૂરી છે કે જે દિવસે તમને રજા મળે તે દિવસે તમે તમારા પાર્ટનર સાથે વાતચીત કરો. એટલું જ નહીં તમારા સમયનું સંચાલન અને ઊંઘનું શેડ્યૂલ એવું બનાવો કે તમે એકબીજા માટે સમય કાઢી શકો. એટલું જ નહીં, તમારે તમારી અને તમારા પાર્ટનરની ઊંઘનું સન્માન કરવું જોઈએ. તેથી એ ખૂબ જ જરૂરી છે કે જો તમારું શિડ્યુલ અલગ હોય તો તમારે રાત્રે મોબાઈલ પર સમય પસાર કરવાને બદલે તમારા પાર્ટનરને સમય આપવો જોઈએ.
યુવાનોની ઊંઘની પેટર્ન ખરાબ થઈ
મનોચિકિત્સક અને બાળ મનોચિકિત્સક માને છે કે કે કોવિડ બાદ દરેક ઉંમરના લોકોમાં અનિદ્રા એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા વધી છે. પહેલા ઓછી ઊંઘની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે ટીનેજરો અને યુવાનોમાં પણ તે વધવા લાગી છે. વધુ પડતા મોબાઈલ સ્ક્રીન ટાઈમને કારણે બાળકો-કિશોરો અને ઘરેથી કામ કરતા પ્રોફેશનલ્સમાં આ સમસ્યા જોવા મળી છે. એવા ઘણા દર્દીઓ આવી રહ્યા છે જેમને તાજેતરના કેટલાક મહિનાઓથી આ સમસ્યા થઈ છે. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં સ્ક્રીન પર જોવાથી, શરીરની મૂવમેન્ટ સાથે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. ઉંઘ ન આવવાને કારણે અનિયમિત દિનચર્યા ધરાવતા લોકોને હૃદય, ડાયાબિટીસની સાથે માનસિક સમસ્યાઓ પણ થવા લાગી છે. જો આ જીવનશૈલી લાંબો સમય રહેશે તો હાર્ટની સાથે કેન્સર-ડાયાબિટીસનું જોખમ પણ વધી જશે.
ટીનેજર્સ મોબાઈલ, કમ્યુટર પર સ્ક્રીન ટાઈમ ઘટાડે
જાણકારો કહે છે કે ટીનેજર્સે સ્ક્રીન ટાઈમ ઓછો કરવો જોઈએ..મોડી રાત સુધી મોબાઈલ-લેપટોપ જોવાનું ટાળવું જોઈએ..સમયસર ભોજન અને યોગ-વ્યાયામ પણ સારી ઊંઘમાં મદદ કરી શકે..એ જ રીતે જે વ્યાવસાયિકો રાત્રે અથવા લાંબા કલાકો સુધી ઘરે કામ કરે છે. તેઓએ પણ નિયમિત દિનચર્યા કરવી પડશે. વચ્ચે સ્ક્રીન પરથી બ્રેક લઈ પરિવાર સાથે સમય પસાર કરવાનો અને સમયસર ભોજપન અને વ્યાયામ કરવાનો નિયમ બનાવો. તેનાથી ઊંઘ વધશે અને હૃદય, કેન્સર કે ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ ઘટશે.